સ્ત્રી અને જમીન માલિકી - મહિલાઓ અને જમીન માલિકીનો મુદ્દો

ખેતીની જમીન એ ગ્રામિણ ક્ષેત્રમાં જીવનનિર્વાહનું સૌથી મહત્વનું સંસાધન છે. મહિલાઓ ખેતી અને કુંટુબની અન્ન સુરક્ષા માટે મહત્વનો ફાળો આપે છે. તેમ છતાં, તેઓ જે જમીન ખેડે છે તેના પર માલિકી કે અંકુશ અંગેના અસરકારક અધિકાર હજુ પણ તેમને પ્રાપ્ત નથી. તેઓ હજુ પણ કૌટુંબિક ખેતરોમાં નાણાકીય મૂલ્ય વગરના અને અદ્રશ્ય મજુર તરીકે કામ કરે છે; અથવા અપૂરતું વેતન મેળવતા ખેતમજૂર તરીકે કામ કરે છે. આજે જયારે બિનકૃષિ નોકરીઓમાં પુરુષોની સંખ્યા વધી રહી છે ત્યારે માત્ર મહિલા જ ખેતીકામ કરે છે - ૭૫ ટકા મહિલાઓ સામે માત્ર ૫૩ ટકા પુરુષો જ ખેતીમાંથી રોજગારી મેળવે છે. પરંતુ ભારતમાં કુટુંબના વડા તરીકે મહિલા હોય તેવા હયાત તેમજ વધી રહેલા કુટુંબોમાં પણ મહિલાઓ પાસે જમીનની માલિકીના અધિકાર નથી (અગ્રવાલ, ૧૯૯૪-૨૦૦૩).

WWGLO માને છે કે મહિલાઓને પોતાના અને પોતાના કુટુંબના કલ્યાણ માટે ખેતરોની ઉત્પાદકતા વધારવા અને તેમના પોતાના સર્વાંગી સશક્તિકરણ માટે જમીન અધિકાર ની જરૂરિયાત છે. મહિલા ફળદ્રુપ જમીનસંપત્તિ ન ધરાવતી હોવાથી તેની અસલામતીની ભાવના તેને ઘરમાં અને સમાજમાં અત્યંત નબળી બનાવી દે છે. અભ્યાસ પરથી જણાય છે કે મહિલાઓના સ્વતંત્ર જમીન અધિકારો અને અંકુશ અન્નસુરક્ષા વધારી શકે છે. બાળકોનું પોષણ, આરોગ્ય અને શિક્ષણ સુધારી શકે છે અને ત્યાં સુધી કે ઘરેલુ હિંસા પણ ઘટાડી શકે છે (અગ્રવાલ-૧૯૯૪ એન્ડ પાન્ડા-૨૦૦૩).

જમીનની માલિકી ધરાવનાર મહિલાઓ મહદ અંશે સક્ષમતા અને આત્મવિશ્વાસ અનુભવે છે તે WGWLO માને પણ છે અને તેનો અનુભવ પણ છે. તે ઘરમાં તેમજ સમાજમાં પોતાની અભિવ્યક્તિનો અધિકાર હોવાનું અનુભવે છે. સરકારી યોજનાઓ અને સંસ્થાકીય લાભો મેળવવા પણ તે વધુ સારી સ્થિતિમાં જોવા મળે છે. આ બધી બાબતો તેમની આર્થિક અને સામાજિક સલામતીને બળ આપે છે.

WGWLO માને છે કે કૌટુંબિક જમીન માર્યાદિત અને વરસાદ આધારિત હોવા છતાં પણ તે બિન-કૃષિ સાહસો મારફતે ગરીબ મહિલાઓની આર્થીક સલામતી વધારવામાં યોગદાન આપી શકે છે.